વાસ્તુશાસ્ત્રના આધારે તિજોરીકક્ષની રચના


આપણે સૌ કોઈ જીવનમાં ધન-સંપતિનું મહત્વ નકારી શકીએ એમ નથી. ધન આપણને ભૂખ અને ગરીબીની પીડામાંથી બચાવી શકે છે. જીવનને સહ્ય અને આરામદાયક બનાવી આપે છે. હા, એ જરૂર છે કે ધનથી ખુશીને ખરીદી શકાતી નથી. પરંતુ જેમ Groucho Marx કહે છે તેમ, "While money can't buy happiness, it certainly lets you choose your own form of misery.” પ્રામાણિક રીતે અને સાચા રસ્તે ધન કમાવવામાં આવે તો તેમાં કશું જ અયોગ્ય નથી. પરસેવો પાડીને કમાયેલા ધનનો વ્યય ન થાય અને તેનો યોગ્ય રીતે સંગ્રહ થાય તે પણ જરૂરી છે. તે માટે વાસ્તુશાસ્ત્ર આપણી મદદે આવી શકે છે.

ધનનો સંગ્રહ કરવાની જગ્યા એટલે તિજોરી અને તિજોરીને રાખવાની જગ્યા એટલે કે તિજોરીકક્ષ. આજે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તિજોરીકક્ષની રચના કેવી હોવી જોઈએ તે જોઈએ.

* વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીકક્ષ ઉત્તર દિશામા હોવો જોઈએ. ઉત્તર દિશા એ દેવોના ખજાનચી અને ધન-સંપતિના સ્વામી એવા કુબેરની દિશા છે. જો ઉત્તર દિશામાં તિજોરીકક્ષ બનાવવો શક્ય ન હોય તો પૂર્વ દિશામાં બનાવી શકાય. પરંતુ જો તિજોરી ભારે વજનની હોય કે ભારે અલમારી હોય તો દક્ષિણ - પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ.

* તિજોરીકક્ષનો આકાર ચોરસ કે લંબચોરસ હોવો જોઈએ. અનિયમિત આકારનો તિજોરીકક્ષ હિતાવહ નથી. તિજોરીકક્ષની છતની ઉંચાઈ ઘરના અન્ય કક્ષની ઉંચાઈથી ઓછી ન હોવી જોઈએ.

* તિજોરીકક્ષને એક જ દરવાજો હોવો જોઈએ અને તે મજબૂત હોવો જોઈએ. ઉત્તર કે પૂર્વ દિશામાં દરવાજો અને બારીઓ હોવા શુભ છે. તિજોરીકક્ષ અલગ હોય તો તેને ઉંબરો હોવો જોઈએ.

* તિજોરીકક્ષની દિવાલો અને ફર્શનો રંગ પીળો હોવો શુભ છે. પીળો રંગ ધન-સંપતિમાં વધારો કરનારો મનાય છે.

* તિજોરીકક્ષમાં તિજોરીને દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. એ ધ્યાન રાખવુ કે નૈઋત્યકોણ (દક્ષિણ-પશ્ચિમ) કે વાયવ્યકોણથી (ઉત્તર-પશ્ચિમ) એક ફૂટ જેટલા અંતર પર તિજોરી રહે. કક્ષના કોઈ પણ ખૂણામાં તિજોરી ન રાખવી જોઈએ.

* તિજોરીનો પાછળનો ભાગ દક્ષિણ દિશા તરફ રહે અને આગળનો ભાગ ઉત્તર દિશા તરફ રહે તે રીતે રાખવી. તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ ખૂલવો જોઈએ. એ રીતે શક્ય ન હોય તો પૂર્વ દિશા તરફ દરવાજો ખૂલે તે રીતે પણ રાખી શકાય.

* તિજોરી દિવાલને સ્પર્શે નહી તે રીતે દિવાલથી એક ઈંચ દૂર રાખવી. તિજોરીને સપાટ જમીન પર રાખવી અને તે ઢળેલી ન હોવી જોઈએ. તિજોરીને ચાર પાયા હોવા જરૂરી છે. પાયા વાંકાચૂકા કે ભાંગેલા-તૂટેલા ન હોવા જોઈએ. સ્થિર તિજોરી ધનને પણ સ્થિર રાખે છે.

* કાષ્ઠમાંથી બનેલી તિજોરી શુભ છે. સોના-ચાંદીના આભૂષણો અને અન્ય મૂલ્યવાન રત્નો તિજોરીમાં દક્ષિણ કે પશ્ચિમ બાજુએ રાખવા.

* તિજોરીમાં ઈશ્વરની મૂર્તિ ન રાખવી જોઈએ.

* તિજોરી બીમની નીચે ન હોય તેનુ ધ્યાન રાખવુ.

* તિજોરીકક્ષ અસ્તવ્યસ્ત કે મલિન ન હોવો જોઈએ. તેને અત્યંત સ્વચ્છ રાખવો જોઈએ.

* તિજોરીની સામે તિજોરીનુ પ્રતિબિંબ પાડતો અરીસો હોવો શુભ છે. તે ધનપ્રાપ્તિની તકોને બમણી કરી આપે છે.

* વહેતા પાણીનો ધીમો અવાજ ધરાવતો ફુવારો તિજોરીકક્ષને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે.

* તિજોરીનો ઉપયોગ અન્ય કોઈ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે ન કરવો જોઈએ.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા