ભૂલ – આધ્યાત્મિક વિકાસનું પગથિયું

બે પ્રકારના આત્માઓ ક્યારેય ભૂલ નથી કરતા. એક કે જેઓ આ પૃથ્વી પર હજુ અવતર્યા નથી અને બીજા એ કે જેઓ આ પૃથ્વી પરથી વિદાય લઈ ચૂક્યા છે. જો તમે ભૂલ કરી હોય અને તમને એનો અફસોસ હોય તો ખુશી મનાવો કે તમે આ પૃથ્વી પર હાજરા હજૂર છો અને જીવિત છો!

આત્મા શા માટે આ પૃથ્વી પર જન્મ લે છે? દરેક આત્મા એક ચોક્કસ પાઠ શીખવા માટે પૃથ્વી પર અવતર્યો હોય છે. આત્માએ શીખવા માટે નક્કી કરેલો પાઠ કુંડળીમાં રહેલા આત્મકારક ગ્રહ પરથી જાણી શકાય છે. એ પાઠ શીખીને, આધ્યાત્મિક પ્રગતિ સાધીને, ઈશ્વરની વધુ નજીક સરકવું અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરવી એ દરેક આત્માનુ અંતિમ લક્ષ્ય હોય છે. ભૂલો એ હંમેશા પાઠ શીખવાનો ભાગ હોય છે અને ભાગ્ય સાથે જોડાયેલી હોય છે.

ભૂલ એટલે શું? એક એવું કર્મ કે જે કરી રહ્યા હોય ત્યારે એનો બિલકુલ એહસાસ નથી હોતો અને જે પાછળથી પીડા અને વેદના લઈને આવે છે. ક્યારેક નોકરી ગુમાવવાની વેદના તો ક્યારેક સંબંધ ગુમાવવાની વેદના, ક્યારેક પૈસા તો ક્યારેક પ્રતિષ્ઠાની હાનિ, તો ક્યારેક જીવ સુદ્ધા ગુમાવીને ભૂલની પીડા ભોગવવી પડે છે. જીવનમાં આવતી દરેક વેદના એ સાધનાની શરૂઆત માટે પ્રસ્તાવ લઈને આવે છે. પીડા, વેદના, દુઃખ, તકલીફ અને સંઘર્ષમાંથી પસાર થઈને આત્મા આધ્યાત્મિક પ્રગતિ સાધે છે. આથી જ જીવનમાં થતી ભૂલો એ ખરેખર તો ઈશ્વરના છૂપાં આશીર્વાદ છે. આભાર માનો ઈશ્વરનો કે એણે તમને ભૂલ કરવાની તક આપી! આજની ભૂલો એ ભવિષ્યના પથને ઉજાળી દેતાં ઝળહળતાં દીવડાઓ છે.

જ્યોતિષશાસ્ત્રમાં કેતુને ભૂલોનો કારક ગ્રહ ગણવામાં આવે છે. કુંડળીમાં જે ભાવ કે જે ભાવના અધિપતિઓ સાથે કેતુ સંકળાયેલો હોય તે ભાવ સંબંધી બાબતો અંગે ભૂલો કરવાનું વલણ રહે છે. ભૂલ સૌથી પહેલો ઘા વ્યક્તિના અહમ પર કરે છે. પોતાને ચતુર અને બુદ્ધિશાળી સમજતી વ્યક્તિ જ્યારે ભૂલ કરી બેસે છે ત્યારે તેના અહમના ચૂરે-ચૂરા થઈ જાય છે. અહમનો નાશ એટલે અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિ. આધ્યાત્મિક પંથે આગળ વધવાની પહેલી શરત છે અહમની સમાપ્તિ. આથી જ કેતુને આધ્યાત્મિકતાનો કારક ગ્રહ પણ ગણવામાં આવ્યો છે!

આ દુનિયામાં રહેલી દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક કોઈક ભૂલ કરે જ છે. ઉત્તમ પુરુષ એવા ભગવાન શ્રી રામે પણ મનુષ્યના અવતારમાં ભૂલ કરી હતી. મનુષ્ય એક હાલતું-ચાલતું પ્રાણી છે અને ભૂલ કરી શકવાને સમર્થ છે. કયારેય સાંભળ્યું કે વૃક્ષ, નદી, પર્વત કે સમુદ્રએ ભૂલ કરી? પ્રસન્ન થાઓ કે ઈશ્વરે તમને ભૂલ કરી શકવા માટે અને તેથી કરીને વિકાસ સાધી શકવા માટે સક્ષમ બનાવ્યા છે. ભૂલ એ ઈશ્વર તરફથી મનુષ્યને મળેલું અનિવાર્ય વરદાન છે.

ભૂલ એ ભવિષ્યમાં ‘શું ન કરવું જોઈએ’ એની સ્પષ્ટતા આપે છે. આ જગતરૂપી યુનિવર્સીટીમાં આપણું જીવન એક ક્લાસરૂમ સમાન છે. અહીં રોજ આપણને આપણા અનુભવોમાંથી એક નવો પાઠ શીખવા મળે છે. નવા નવા પાઠો શીખીને વિકસવું અને  વિસ્તરવું એ જ તો ઈશ્વરે આપેલા આ જીવનનો હેતુ છે. ભૂલ થઈ ગયા પર અફસોસ કરવાની ભૂલ ન કરવી. પરંતુ હા, એ ભૂલમાંથી બોધપાઠ ગ્રહણ ન કરવાની ભૂલ ન કરવી. પોતાની ભૂલને સચ્ચાઈ અને ઈમાનદારીથી સ્વીકારવી એ પણ નૈતિક જવાબદારી છે. ‘સોરી’ એ શબ્દ બહુ નાનકડો છે પણ ઘણીવાર મોટી-મોટી ભૂલોને પણ માફ કરવી દેતો હોય છે.

પોતાની અને બીજાની ભૂલો પ્રત્યે નરમ વલણ અપનાવવું અને ક્ષમા પ્રદાન કરવી એ વિશાળ હૃદય અને ઉચ્ચ કક્ષાના આત્મા હોવાની નિશાની છે. આપણે સૌ આપણા કુટુંબીજનો અને નજીકની વ્યક્તિઓ પાસેથી બિનશરતી પ્રેમ અને સ્વીકાર ઝંખતા હોઈએ છીએ. જયારે વ્યક્તિ ભૂલ કરે છે ત્યારે સૌથી પહેલી ઉણપ આ પ્રેમ અને સ્વીકારની પડે છે. એક ભૂલને લીધે વ્યક્તિ પર મૂર્ખ, અણસમજુ, બેજવાબદાર, બેદરકાર જેવા જાત જાતના વિશેષણો લાગી જતાં હોય છે. ક્યારેક સીધા રસ્તે ચાલીને જતાં હોઈએ અને રસ્તામાં ફાંટો આવે તો માર્ગ ભટકીને ફાંટે વળી જવાતું હોય છે. જયારે ખબર પડે કે ખોટા રસ્તે છીએ ત્યારે ફરી મુખ્ય માર્ગ પર આવી જતાં હોઈએ છીએ. ભૂલ પણ જીવન પથ પર ગેરમાર્ગે દોરી જતો ફાંટો છે. જીવનમાં ઘણી વખત નિર્ણયો ઉતાવળમાં, નિરાશા કે હતાશાની પરિસ્થિતિમાં, સંજોગોના દબાણમાં કે પછી અનુભવના અભાવને લીધે લેવાતા હોય છે. આવા નિર્ણયો જયારે ભૂલમાં પલટાઈ જાય ત્યારે ઠપકાને બદલે સહાનુભૂતિની જરૂર વધુ હોય છે. હકીકતમાં જયારે ભૂલ થઈ હોય ત્યારે જ વ્યક્તિને સૌથી વધુ પ્રેમ અને સ્વીકારની જરૂર હોય છે. આપણે તેને આ પ્રેમ અને સ્વીકારની ભાવનાથી વંચિત ન રાખીએ તેમાં જ પરિપક્વતા રહેલી છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા