વિક્રમ સંવત 2074નું વાર્ષિક રાશિ ભવિષ્ય

આજે ઓક્ટોબર 20, 2017ના રોજ નવવર્ષની શરૂઆત થવા જઈ રહી છે. વિક્રમ સંવત 2074નું આ વર્ષ બારેય રાશિઓ/જન્મલગ્ન માટે કેવું રહેશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે.

1. મેષ (અ, , ઈ)

વર્ષારંભે આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. તા.26.10.2017ના રોજ અઢી વર્ષથી ચાલી રહેલી શનિની નાની પનોતીમાંથી મુક્તિ મળશે. ત્યારબાદનો સમય અનુકૂળ રહે. શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિનો અનુભવ થાય. આ વર્ષ દરમિયાન જીવનમાં કારકિર્દી કરતાં સંબંધો વધુ અગત્યનાં બને. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. પરિણીત જાતકોનો જીવનસાથી સાથેનો સંબંધ વધુ સંવાદિતાભર્યો બને. લગ્નજીવનની મુશ્કેલીઓનું નિવારણ આવી શકે છે. જીવનસાથીનું આરોગ્ય કાળજી માગી લે. વ્યાવસાયિક ભાગીદારીથી લાભ થવાની સંભાવના રહે. સ્થાવર સંપતિ અને વાહનની ખરીદી થઈ શકે છે. આમ છતાં સ્થાવર સંપતિ બાબતે પ્રશ્નો ઉભાં ન થાય તેની કાળજી રાખવી. અધૂરાં દસ્તાવેજો કે ગેરકાનૂની બાંધકામ ધરાવતી સંપતિ ખરીદવાથી દૂર રહેવું. માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતાનો અનુભવ થઈ શકે છે. ઘર અને કામના સ્થળમાં પરિવર્તન આવી શકે છે. ઘરથી દૂર કે વિદેશમાં વસવાટ થવાની સંભાવના પ્રબળ બને. લાંબા અંતરની યાત્રાઓ થઈ શકે છે. નોકરી કે વ્યવસાયને લીધે યાત્રા કે વિદેશગમન અને નાણાકીય વ્યય થવાની સંભાવના રહે. વ્યવસાયમાં નવા સાહસ કરવાથી દૂર રહેવું જોઈએ. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની સંભાવના રહે. વ્યવસાયમાં પિતાની સલાહ ઉપયોગી નીવડે. ભાગ્યમાં અવરોધ કે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઉચ્ચ અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થી મિત્રોએ વધુ મહેનત કરવી જરૂરી બને. લાંબા સમયથી રહેલી ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને.

2. વૃષભ (બ, , ઉ)

આ વર્ષ દરમિયાન આપની સહનશક્તિની પરીક્ષા થતી જણાય. માનસિક તેમજ શારીરિક આરોગ્યની કાળજી લેવી. લાગણી તથા આવેશમાં આવીને કોઈ મોટાં નિર્ણયો ન કરવાં. ધૈર્ય રાખવું અને નકારાત્મક વિચારો કરવાથી દૂર રહેવું. પરિવારના સભ્યો વચ્ચે તણાવ પેદા થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો. દલીલો કરવાથી દૂર રહેવું. માનહાનિનો અનુભવ થઈ શકે છે. સંતાન બાબતે ચિંતાઓ રહ્યા કરે. સગર્ભા સ્ત્રીઓએ પોતાના આરોગ્યની વિશેષ કાળજી રાખવી. નોકરી કે વ્યવસાયમાં વધુ સંઘર્ષ અને પરિશ્રમ બાદ સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. કામના સ્થળનું વાતાવરણ સુધરતું જણાય. સહકર્મચારીઓનો સાથ મળી રહે. વ્યવસાયમાં મોટાં નાણાકીય રોકાણ કરવાથી દૂર રહેવું. સહેલાઈથી લોન મળી શકે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને કરકસરના ઉપાયો અજમાવવા. વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. મોટાં ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા કરાવે અથવા તેમની સાથેના સંબંધોમાં તણાવ અનુભવાય. વાતચીત, લખાણ, પ્રકાશન અને પત્રવ્યવહારથી લાભ રહે. આત્મવિશ્વાસ, પરાક્રમ અને સાહસની વૃદ્ધિ થાય. ટૂંકી યાત્રાઓ થઈ શકે છે. પિતાના આરોગ્યની કાળજી લેવી. પોતાનાં આરોગ્યની પણ કાળજી લેવી. પ્રમાદી બની જવાની શક્યતા રહે. ગૂઢ અને રહસ્યમય બાબતો અંગેના જ્ઞાનમાં વધારો થાય. વિદેશયાત્રા અને વિદેશી સંબંધોથી લાભ થવાની શક્યતા રહે. નજીકના મિત્રો અને પડોશીઓ મદદરૂપ બને. જીવનસાથીની નાણાકીય આવક ઘટી શકે અથવા જીવનસાથી પાછળ ખર્ચાઓ કે નાણાકીય રોકાણ થવાની સંભાવના રહે. શ્વસુર પક્ષના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડી શકે છે.

3. મિથુન (ક, , ઘ)

આપની રાશિ માટે વર્ષ અનુકૂળ રહે. બુદ્ધિકૌશલ્ય દ્વારા ભાગ્યનું નિર્માણ કરી શકો છો. ભાગ્યનો સહયોગ કાર્યોમાં મળી રહે. બૌદ્ધિક કાર્યોમાં રુચિ વધે. સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિમાં વધારો થાય. પ્રતિભા નિખરી ઉઠે. વિદ્યાર્થી મિત્રો અભ્યાસમાં ઈચ્છિત સફળતાની પ્રાપ્તિ કરી શકે છે. ઉચ્ચ અભ્યાસ આડેનાં અવરોધો દૂર થઈ શકે છે. મંત્રોના જાપથી આધ્યાત્મિક સાધના શક્ય બને. પરિણીત જાતકોને સંતાન પ્રાપ્તિ માટે આ વર્ષ અનુકૂળ રહે. આર્થિક પ્રગતિ કરી શકો છો. લાંબા સમયથી અધૂરાં રહેલાં સપનાંઓ અને ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને. મિત્ર વર્તુળમાં વધારો થાય. લાંબા સમયથી વિખૂટાં પડી ગયેલા કે જૂના મિત્ર સાથે ફરી મિલન થાય. પ્રેમ સંબંધમાં સફળતા મળી શકે છે. શેરબજારથી લાભ રહે. જૂની નોકરી છૂટે અને નવી નોકરી મળે તેવી શક્યતા રહે. નોકરી-વ્યવસાયમાં પરિવર્તન થવાની સંભાવના છે. જો નોકરી કે વ્યવસાયમાંથી નિવૃતિ લેવાં ઈચ્છતા હો તો આ વર્ષ યોગ્ય છે. જિંદગીને માણી શકો અને મનોરંજન આપતી પ્રવૃતિઓ પાછળ સમય પસાર કરો. જીવનસાથી જવાબદારી અને બંધનમાં આવી ગયાનો અનુભવ કરે. જીવનસાથી અને માતાના આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. વ્યાવસાયિક ભાગીદારીમાં સાવધાની રાખવી. આ વર્ષ દરમિયાન સ્થાવર મિલકતમાં રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. કૌટુંબિક જીવનમાં મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે. ગેરસમજને લીધે કુટુંબના સભ્યો વચ્ચે મતભેદ ઉભા થવાની સંભાવના રહે. વાણી પર સંયમ રાખવો. આહારની અયોગ્ય આદતોથી બચવું. આધ્યાત્મિક પ્રગતિ માટે વર્ષ ઉત્તમ રહે.

4. કર્ક (ડ, હ)

ઘરનું ઘર લેવાનું સપનું સાકાર થઈ શકે છે. જૂના ઘરનું નવીનીકરણ કરાવીને સુખ-સગવડોમાં ઉમેરો કરી શકાય છે. જો કે ઘર ખરીદવા કે નવીનીકરણ કરાવવા માટે લોન લેવી પડે તેવા સંજોગો રહે. વાહન લેવાનું વિચારી રહ્યા હો તો આ વર્ષ ઉત્તમ છે. ઘર અને કુટુંબને લીધે સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થાય. બહારની દુનિયા કરતાં ઘરની દુનિયા વધુ સુખમય લાગે. ઘરમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. લાંબા સમયથી ચાલતાં કૌટુંબિક પ્રશ્નોનો અંત આવે. વતનની મુલાકાત લઈ શકો. માતા સાથેનો સંબંધ વધુ સરળ અને મધુર બને. નોકરીમાં પ્રમોશન અને સ્થળાંતર થવાની શક્યતા રહે. ઘરથી દૂર બદલી થઈ હોય તો આ વર્ષે ઘરે પરત ફરવું શક્ય બને. ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ અને વાદ-વિવાદમાં ઉતરવાથી દૂર રહેવું. નવી નોકરી શોધી રહ્યા હો તો મળી જવાની શક્યતા રહે. વ્યવસાયમાં ભાગીદારો સાથે મતભેદ પેદા ન થાય તેની કાળજી રાખવી. ભૌતિકવાદી વલણ રહેવાની શક્યતા છે. શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. મન થોડું વિક્ષિપ્ત રહેવાની સંભાવના છે. ડર, ચિંતા, અપરાધની લાગણીનો અનુભવ થઈ શકે છે. મનમાં ભય અને ભ્રમણાઓ પેદા થઈ શકે છે. લગ્નજીવનમાં દલીલો કરવાથી દૂર રહેવું. જીવનસાથીની અપેક્ષાઓ પરત્વે અલિપ્તતા દાખવો તેવું બને. જીવનસાથીનું આરોગ્ય પણ કાળજી માગી લે. આ વર્ષે તમારું પોતાનું આરોગ્ય પણ  વિશેષ કાળજી માગી લે. બેદરકારી દાખવશો તો લાંબા સમય સુધી ચાલનારી બિમારીનો ભોગ બનવું પડે તેવી શક્યતા રહે. કાર્ય કરવાની પદ્ધતિ વધુ શિસ્તભરી બને અને કઠોર પરિશ્રમ કરો.

5. સિંહ (મ, ટ)

ગત વર્ષ દરમિયાન ઉતાર-ચઢાવનો સામનો કર્યા પછી હવે આ વર્ષ દરમિયાન સ્થિરતાનો અને માનસિક શાંતિનો અનુભવ થાય. ગૃહક્ષેત્રે શાંતિ સ્થપાતી જણાય. નોકરી અને વ્યવસાયમાં આવી રહેલાં અવરોધો દૂર થતાં જણાય. વાતચીત, સંવાદ અને અભિવ્યક્તિ માટે તકોની પ્રાપ્તિ થઈ શકે છે. લખાણ, વાંચન, પ્રકાશન, પત્રવ્યવહાર, વક્તવ્યો દ્વારા લાભ અને નવીન તકોની પ્રાપ્તિ થાય. માહિતીનું આદાન-પ્રદાન સરળ બને. આપની પ્રતિભાને અભિવ્યક્ત કરવાની તક મળે. લેખકો, અધ્યાપકો, મીડિયા અને કોમ્યુનિકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકો માટે આ સમય વિશેષ લાભદાયી રહે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. સંતાન દ્વારા આર્થિક લાભ થવાની શક્યતા છે. આમ છતાં સંતાનના આરોગ્ય કે અન્ય બાબતોને લગતી ચિંતાઓ રહ્યા કરે. સંતાનને લગતી જવાબદારીઓમાં વધારો થાય. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના છે. પ્રેમમાં પડેલાં જાતકો પ્રેમનું લગ્નમાં રૂપાંતરણ કરી શકશે. વિદ્યાર્થી મિત્રોને ઉચ્ચ અભ્યાસની તકોની પ્રાપ્તિ થઈ શકે છે. અભ્યાસમાં કઠોર પરિશ્રમ આવશ્યક બને. પિતાનું આરોગ્ય સુધરતું જણાય. પિતા સાથેનો સંબંધ મધુર બને. ધાર્મિક યાત્રાઓ કે વિદેશ પ્રવાસ થઈ શકે છે. વિદેશી સંબંધોને લીધે લાભ થવાની શક્યતા છે. જીવનમાંથી મનોરંજનની બાદબાકી થઈ શકે છે. સામાજિક સંમેલનો અને મનોરંજક મિજબાનીઓથી દૂર રહેવાનું વલણ રહે. એકલાં રહીને સમય પસાર કરવાનું પસંદ કરો. રોગ, બિમારી, શત્રુઓ અને મોસાળપક્ષને લીધે નાણાકીય વ્યય થવાની સંભાવના છે. વ્યર્થ ભ્રમણો રહ્યા કરે. ઘરથી બહાર સમય વધારે વીતે. અચાનક કે અણધાર્યા ખર્ચાઓ આવી પડે.

6. કન્યા (પ, , ણ)

ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે આર્થિક સ્થિતિ સુધરતી જણાય. નાણાકીય આવક અને નફામાં વધારો થાય. ભવિષ્યની સુરક્ષા માટે આર્થિક બચત કરવી શક્ય બને. લોનની અરજી કરવા માટે આ વર્ષ યોગ્ય રહે. નવા અલંકારો-રત્નોની ખરીદી કરી શકાય. કૌટુંબિક જીવનમાં સુખ, શાંતિ અને સંવાદિતાનો અનુભવ થાય. કુટુંબમાં માંગલિક પ્રસંગોની ઉજવણી થાય. કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. નોકરી-વ્યવસાયમાં વધુ સમય આપીને અને કઠોર પરિશ્રમ કરીને સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. મોસાળપક્ષનો સાથ-સહકાર મળી રહે. ઉપરી અધિકારીઓ તેમજ સહકાર્યકરો મદદરૂપ બને. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. માતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. માતા સાથે ગેરસમજ કે મતભેદો થવાની શક્યતા છે. ઘણીવાર માનસિક હતાશાનો અનુભવ થાય. સ્થાવર મિલકતનાં પ્રશ્નોને લીધે ચિંતા રહ્યા કરે. ઘરથી દૂર જવાનો પ્રસંગ ઘટિત થઈ શકે છે. નાના બાળકોને શાળાનું વાતાવરણ અકળામણ પેદા કરે. જૂથ કે સંગઠનોમાં જોડાઈને પ્રવૃતિઓ થઈ શકે છે. નવા સંપર્ક અને ઓળખાણો થાય. મિત્રવર્તુળમાં વધારો થાય. જો કે મિત્રો સાથે વધુ સમય વીતાવવાથી લાભ શક્ય નથી. આથી સમયનો સદઉપયોગ કરવો. પ્રણયસંબંધમાં નિરાશાનો અનુભવ થાય. સંતાન બાબતે સમય ચિંતાજનક રહે. સગર્ભા સ્ત્રીઓએ પોતાની વિશેષ કાળજી રાખવી. સંતાનને લીધે નાણાકીય ખર્ચાઓ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. મોટા ભાઈ-બહેનોને શારીરિક કષ્ટ અને પીડાનો અનુભવ થઈ શકે છે.

7. તુલા (ર, ત)

જિંદગીને એક નવી આશા અને ઉમંગ સાથે આવકારો. જીવન પ્રત્યેનો અભિગમ બદલાય. વિતી ગયેલી વાતોને ભૂલીને આગળ વધી શકાય. એક પ્રકારની મુક્તિનો અનુભવ થાય. સ્વના વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે આ સમય યોગ્ય છે. પોતાની જાત પ્રત્યે સભાન બનો અને જાત સાથે વધુ સમય વિતાવો તેવું બની શકે છે. શરીરમાં મેદવૃદ્ધિ થવાની શક્યતા છે. આમ છતાં શારીરિક તંદુરસ્તી માટે સભાન બનો અને ધ્યાન, યોગ કે કસરત શરૂ કરો તેવું પણ બને. ઈશ્વર અને ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થાય. અપરિણીતોના લગ્ન થઈ શકે છે. પરિણીતોને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. વ્યાવસાયિક ભાગીદારીઓ રચી શકાય. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. વિદ્યાર્થીઓની અભ્યાસમાં પ્રગતિ થાય તેમજ ઉચ્ચ અભ્યાસ માટેની તકોની પ્રાપ્તિ થઈ શકે છે. અટકી ગયેલાં કાર્યો પૂર્ણ થતાં જણાય. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના રહે. વ્યાવસાયિક ક્ષેત્રનો વિસ્તાર થાય. નોકરીમાં બદલાવ આવે. અપેક્ષાથી વધુ પરિણામ મળે. અકસ્માતે કે અચાનક જ પ્રમોશન મળી જાય તેવું બને. વિદેશ સંબંધિત કામકાજથી ઉત્તમ લાભ રહે. કામકાજની વ્યસ્તતાને લીધે ઘર-પરિવારને પૂરતો સમય ન આપી શકાય. ઘરની અને સંતાનોની જવાબદારી પ્રત્યે બેદરકાર બનો કે અલિપ્તતા દાખવો તેવું બને. રહેઠાણના સ્થળમાં બદલાવ આવી શકે છે. ભાઈ-બહેનો અને મિત્રો સાથેના સંબંધમાં તણાવનો અનુભવ થઈ શકે છે. તેમનાં સંબંધિત જવાબદારી અને બંધનનો અનુભવ થયા કરે. ગૃહ અથવા કાર્ય સ્થળમાં બદલાવ થઈ શકે છે. વારંવાર નાની મુસાફરીઓ થાય.

8. વૃશ્ચિક (ન, ય)

વિદેશયાત્રા શક્ય બને. જો ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા માગતા હો તો આ વર્ષ ઉત્તમ રહે. આધ્યાત્મિકતામાં વધારો થાય. ધ્યાન દ્વારા અર્ધજાગૃત મનની વધુ નજીક સરી શકાય. એકાંતમા ધ્યાન અને ચિંતન કરવાથી સુખની અનુભૂતિ થાય. ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે. દાન-સત્કાર્ય અને સેવા કાર્યોમાં સક્રિય બની શકાય. ગુપ્ત અને સાહસી કાર્યો સારી રીતે પૂર્ણ થઈ શકે છે. શત્રુઓ અને હરિફો પર વિજયની પ્રાપ્તિ થાય. શુભ હેતુઓ પાછળ નાણાકીય ખર્ચ થાય. ઘર-પરિવારમાં કોઈના લગ્નનો અવસર આવે. નવા જમીન, મકાન અથવા વાહનની ખરીદી થાય. વધુ પડતાં ખર્ચાઓને લીધે નાણાકીય પ્રશ્નો ચિંતા કરાવે. સ્થાવર મિલકતમાં નાણાકીય રોકાણ કરવું હિતાવહ રહે. વતનની મુલાકાત લેવાની તકની પ્રાપ્તિ થાય. સહેલાઈથી અને સરળતાથી લોનની પ્રાપ્તિ શક્ય બને. સંતાન તમારાથી દૂર જાય કે વિદેશ જાય તેવું બને. નોકરી-વ્યવસાય ક્ષેત્રે વધુ પડતા કામના બોજને લીધે તણાવનો અનુભવ થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ કે વિયોગ ઘટિત થઈ શકે છે. કુટુંબને લગતી જવાબદારી અને બોજનો અનુભવ થઈ શકે છે. કઠોર વાણી બોલવા પર સંયમ રાખવો. ઘણાં પ્રવાસો-યાત્રાઓ થવાની સંભાવના રહે. ધર્મ અને પરંપરાને લગતાં વિચારોમાં બદલાવ આવી શકે છે. ધર્મ વિમુખ કે નાસ્તિક બની જવાની શક્યતા રહે અથવા અન્ય ધર્મ પ્રત્યે આકર્ષણ અનુભવાય. પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. પરાક્રમ ક્ષમતા બાધિત થઈ શકે છે. ભાઈ-બહેનોની અપેક્ષાઓ પ્રત્યે અલિપ્તતા દાખવો તેવું બની શકે. પ્રારંભિક અવરોધ બાદ ભાગ્યની વૃદ્ધિ થાય.  
  
9. ધનુ (ભ, , , ઢ)

આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને. કાર્યોમાં અવરોધ અને વિલંબનો અનુભવ થઈ શકે છે. મોટાં નાણાકીય રોકાણો કે સાહસ કરવાથી દૂર રહેવું જોઈએ. જો નોકરી કે વ્યવસાય બદલવાનો વિચાર કરતાં હો તો બરાબર સમજી-વિચારીને નિર્ણય લેવો. નવી નોકરી મળ્યા બાદ જ જૂની નોકરી છોડવી. એ જ રીતે વ્યવસાય માટે કોઈ નવી તક મળે પછી જ જૂનાં વ્યવસાયને બંધ કરવો અથવા સમાંતર બંને વ્યવસાય ચલાવવા. માનસિક દબાણ અને ચિંતાઓ રહેવાની સંભાવના છે. જો કે આર્થિક પ્રશ્નો ખાસ ચિંતા નહિ કરાવે. આર્થિક સ્થિરતા બની રહે. ધન ઉપાર્જનના નવાં-નવાં રસ્તાઓ મળી રહે. અપરિણીત જાતકો લગ્નના બંધને બંધાઈ શકે છે. સંતાન પ્રાપ્તિ માટે આ સમય યોગ્ય રહે. મિત્ર વર્તુળ અને સામાજીક વર્તુળમા વધારો થાય. નવી લાભદાયી ઓળખાણો થઈ શકે છે. મિત્રો સાથેના સંબંધ મધુર બને. મિત્રો થકી નાણાકીય લાભ પણ થઈ શકે છે. ક્લબ અને સંસ્થાઓ સાથે જોડાઈ શકાય. લાંબા સમયથી રહેલી ઈચ્છાઓ અને સપનાઓની પૂર્તિ થાય. સાહસ અને પરાક્રમમાં વૃધ્ધિ થાય. નવયુવાનોના જીવનમાં પ્રેમમાં પડવાની ઘટના ઘટી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધ મધુર બને. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. વ્યક્તિગત જન્મકુંડળીમાં જો આકસ્મિક લાભના યોગ હોય તો આ વર્ષ દરમિયાન રેસ, શેર-સટ્ટા, લોટરી દ્વારા અથવા વારસાકીય ધનલાભ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો. કુટુંબના સભ્યો સાથે મતભેદ થાય અથવા કુટુંબના સભ્યોનો વિરહ સહન કરવો પડે. ગૂઢ બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય. સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલાં જાતકો માટે આ સમય પ્રગતિજનક રહે. રહસ્યપૂર્ણ બાબતો અંગે રસ જાગે.

10. મકર (ખ, જ)

આ વર્ષ દરમિયાન ઘણાં ઉતાર-ચઢાવ રહેવાની સંભાવના છે. મન અશાંત બને અને અનિદ્રાનો ભોગ બની શકાય છે. ચિંતાઓ, ડર અને અપરાધની લાગણીનો અનુભવ થાય. ખાવા–પીવાની આદતોની કાળજી રાખવી. બેજવાબદારીભરી જીવન શૈલી મુશ્કેલીઓ પેદા કરી શકે છે. શારીરિક ઉર્જામાં ઘટાડો થઈ શકે છે. આર્થિક બાબતો અંગે થોડી મુશ્કેલીઓ પેદા થાય અને લોન ચિંતાનું કારણ બની શકે છે. નાણાકીય વ્યય થવાની સંભાવના છે. દૂરના સ્થળે બદલી થઈ શકે છે. વિદેશ યાત્રા થઈ શકે છે. પિતાના આરોગ્યની કાળજી લેવી. આધ્યાત્મિકતામાં વધારો થાય. કામની જવાબદારીઓ અને કામકાજના સમયમાં વધારો થઈ શકે છે. વ્યવસાય અને નોકરી સંબંધે યાત્રાઓ થવાની સંભાવના રહે. વ્યવસાયની વૃદ્ધિ માટે નાણાકીય રોકાણ કે ખર્ચા થવાની સંભાવના રહે. નોકરીમાં પરિવર્તન કે બદલી થઈ શકે છે. નવી નોકરી મળવા માટે કે નોકરી બદલવા માટે આ સમય અનુકૂળ રહે. વાતચીત, લખાણ, માહિતીના આદાન-પ્રદાન અને યાત્રાઓને લીધે નોકરી કે વ્યવસાયમાં લાભ થઈ શકે છે. નાના ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે અથવા તેમની સાથે મતભેદ થવાની સંભાવના રહે. અપરિણીત જાતકોના અચાનક લગ્ન નક્કી થઈ જાય તેવું બને. પરિણીત જાતકોને જીવનસાથી સાથે મતભેદો થઈ શકે છે. જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે. વિજાતીય પાત્રોથી સંભાળીને રહેવું. વિજાતીય પાત્રને લીધે બદનામી થવાની સંભાવના રહે. વ્યવસાયમાં ભાગીદારો સાથેના સંબંધમાં તણાવનો અનુભવ થઈ શકે છે. અદાલતી કાર્યોમાં અડચણનો અનુભવ થઈ શકે છે. શારીરિક પીડાઓ અને કષ્ટ આવી શકે છે. લોકોથી અલિપ્ત અને અતડાં રહેવાની લાગણી તીવ્ર બને.

11. કુંભ (ગ, , , ષ)

આ વર્ષ આપના માટે ઉત્તમ રહેવાની સંભાવના છે. લાંબી યાત્રાની તકો પ્રાપ્ત થાય. વિદેશની મુસાફરી થઈ શકે છે. ધાર્મિક સ્થળોની યાત્રા થાય. ધર્મ પ્રત્યેની શ્રધ્ધા અને વિશ્વાસમાં વધારો થાય. ઉચ્ચ અભ્યાસ માટે અનુકૂળતા રહે. બૌદ્ધિક બાબતોમાં રસ વધે. આ સમય પિતા માટે લાભદાયી રહે. નાના ભાઈ-બહેનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. સંદેશાઓ, પત્રવ્યવહાર અને લેખનકાર્ય માટે ઉત્તમ સમય રહે. સર્જનાત્મક પ્રવૃતિઓ કરી શકાય. શિક્ષક, ગુરુ અને સંતના આશીર્વાદની પ્રાપ્તિ થાય. પરિણીતોને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. વડિલોને પૌત્ર-પૌત્રીના જન્મની વધામણી મળી શકે છે. શેરબજાર લાભદાયી નિવડે. નાણાકીય આવકમાં વૃદ્ધિ થાય. ભાગ્યનો સાથ મળી રહે. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ દરમિયાન પરિશ્રમ બાદ અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. મિત્રો ટીકા કરે અથવા તેમના દ્વારા અસ્વીકાર થવાનો અનુભવ થઈ શકે છે. એકલા પડી ગયાની ભાવના દુઃખનું કારણ બને. મોટી ઉંમરના અને પરિપક્વ મિત્રનો સાથ દુ:ખ હળવું કરે. શત્રુપક્ષ અવરોધ પેદા કરી શકે છે. પરંતુ આપ શત્રુઓ પર વિજય મેળવીને આગળ વધી શકો. શારીરિક ઉર્જાનો અનુભવ થાય. આરોગ્યની તંદુરસ્તી બની રહે. નોકરીમાં અણધાર્યો કે અચાનક બદલાવ આવી શકે છે. આધ્યાત્મિક પ્રગતિનો અનુભવ થાય. લગ્નજીવનમાં સુખ-શાંતિ બની રહે. વાહન તેમજ અન્ય વૈભવનાં સાધનોની ખરીદી થઈ શકે છે. જીવનમાં આવનારી સમસ્યાઓ અને પડકારો સામે લડવા આત્મબળ કેળવી શકો.

12. મીન (દ, , , થ)

નોકરી કે વ્યવસાયમાં પરિવર્તન આવી શકે છે. નોકરી અને વ્યવસાયમાં વધુ સમય આપ્યાં પછી અને કઠોર પરિશ્રમ કર્યા બાદ જ લાભ સંભવી શકે છે. વધુ ને વધુ જવાબદારીઓ આવી પડે. કાર્ય પ્રત્યેની શિસ્તતામાં વધારો થાય. નોકરી ગુમાવવાના ભયને લીધે પડકારોનો સામનો કરતા રહો. જો કે બાદમાં કઠોર પરિશ્રમ અને કામ પ્રત્યેના સમર્પણનું વળતર મળતું દેખાય. વિદેશથી કાર્ય સંબંધ બની શકે છે. વિદેશમાં કામ કરી રહેલાં જાતકો વતનમાં સ્થળાંતર કરી શકે છે. ઘર કે વાહન ખરીદવાની યોજના પ્રારંભિક અવરોધ અને વિલંબ બાદ પાર પડી શકે છે. જીવનસાથીને નોકરી-વ્યવસાય ક્ષેત્રે કષ્ટનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષ દરમિયાન આપના વિચારો અને વ્યક્તિત્વમાં પરિવર્તન આવી શકે છે. ગુપ્ત અને વારસાકીય ધનલાભ થઈ શકે છે. આ સમય સંતાન પ્રાપ્તિ માટે પ્રતિકૂળ નિવડી શકે છે. સગર્ભા સ્ત્રીઓએ પોતાની વિશેષ કાળજી રાખવી. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. સંશોધન કાર્ય સાથે સંકળાયેલાને સફળતાની પ્રાપ્તિ થાય. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. વીમા અને વ્યાજની રકમ સહાયરૂપ બની શકે. આવકના સ્ત્રોતોની કાળજી રાખવાથી નાણાકીય બચત કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી વિશેષ જરૂરી બને. કળા અને સર્જનાત્મક બાબતો સાથે જોડાયેલાં જાતકો માટે આ સમય લાભપ્રદ રહે. સર્જનાત્મક વિચારોમાં વૃદ્ધિ થાય. મનોરંજન પ્રત્યેના આકર્ષણમાં વધારો થાય. બૌદ્ધિક કાર્યો સાથે સંકળાયેલાં જાતકો માટે સમય અનુકૂળ રહે. મિત્રોનો વિરોધ સહન કરવો પડે અને તેમની સાથેનાં સંબંધમાં અંતર વધી જાય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા