સૂર્યનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 2 થી 13 સૂર્યનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે.

પ્રથમ ભાવ: જન્મકુંડળીમાં પ્રથમસ્થાન/લગ્નસ્થાનમાં સૂર્ય જાતકના માથા પર વાળ ઓછાં હોવાનો સંકેત કરે છે. કાર્યો કરવામાં આળસુ પ્રકૃતિનો, ક્રોધી, પ્રસિદ્ધ વ્યક્તિ, સન્માનીય અને પ્રતિષ્ઠિત, નબળી દ્રષ્ટિ, બરછટ શરીર, સાહસી, ઉતાવળિયો અને કઠોર હોય છે.

જો લગ્નસ્થાનમાં કર્ક રાશિમાં સૂર્ય હોય તો જાતક સોજેલી અથવા ફુલુ ધરાવતી આંખવાળો, મેષ રાશિમાં સૂર્ય હોય તો નબળી દ્રષ્ટિ ધરાવનાર, સિંહ રાશિમાં સૂર્ય હોય તો રતાંધળો  હોય છે અને તુલા રાશિમાં સૂર્ય હોય તો જાતક ગરીબીથી પીડા પામે છે અને સંતાનોને ગુમાવે છે.

દ્વિતીય ભાવ: જો સૂર્ય દ્વિતીયભાવમાં સ્થિત હોય તો જાતક નોકરચાકર અને ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓના સુખથી સંપન્ન હોય છે.  મુખના રોગથી પીડા પામે છેસુખ અને સંપતિથી વંચિત રહે છે, રાજાના ક્રોધને લીધે અથવા ચોરને લીધે ધન ગુમાવે છે.

તૃતીય ભાવ: તૃતીયભાવમાં સૂર્ય જાતકને પરાક્રમી અને બળવાન બનાવે છે. ભાઈ-બહેનને ગુમાવે છે, લોકોમાં પ્રિય હોય છે, સુંદર દેખાવ, વિદ્વાન તેમજ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર હોય છે.

ચતુર્થ ભાવ: જ્યારે સૂર્ય ચતુર્થભાવમાં સ્થિત હોય ત્યારે જાતક વાહન અને સગાં-સંબંધીઓના સુખથી વંચિત રહે છે. હ્રદય રોગથી પીડા પામે છે, પૈતૃક ઘર અને સંપતિનો નાશ કરે છે તેમજ અયોગ્ય રાજાની સેવા કરે છે.

પંચમ ભાવ: જો સૂર્ય પંચમભાવ સ્થિત હોય તો જાતક સુખ, પુત્ર અને સંપતિથી વંચિત રહે છે. ખેતી દ્વારા જીવન ગુજારે છે. પર્વતો અને જંગલોમાં ભ્રમણ કરનાર, ચંચળ મન ધરાવનાર, બુદ્ધિમાન, બળરહિત અને અલ્પાયુષી હોય છે.  

ષષ્ઠમ ભાવ: જો છઠ્ઠા ભાવમાં સૂર્ય સ્થિત હોય તો જાતક અતિ કામી, પ્રબળ જઠરાગ્નિ ધરાવનાર અર્થાત અધિક પાચનશક્તિ ધરાવનાર, બળવાન, ઐશ્વર્યવાન, પોતાના ગુણોને લીધે પ્રસિદ્ધ, રાજા અથવા ન્યાયધીશ હોય છે.

સપ્તમ ભાવ: સપ્તમભાવમાં સૂર્ય સ્થિત હોય ત્યારે જાતક દ્રરિદ્ર, અપમાનિત, શારીરિક રોગોથી પીડા પામનાર હોય છે. રાજાના ક્રોધ અને બંધનથી પીડિતઅવળાં માર્ગે ચાલનાર તથા પત્ની સાથે શત્રુતા રાખનાર હોય છે.

અષ્ટમ ભાવ: જો સૂર્ય અષ્ટમભાવ સ્થિત હોય તો જાતક દેખાવ કે આકારમાં બગડેલી આંખો ધરાવનાર, સુખ તેમજ સંપતિથી રહિત, અલ્પાયુ તથા સંબંધીઓથી વિયોગની પીડા પામનાર હોય છે.

નવમ ભાવ: જ્યારે નવમભાવમાં સૂર્ય સ્થિત હોય ત્યારે જાતક સંપતિ, સંતાન અને મિત્રોનું સુખ ધરાવનાર હોય છે. દેવો અને બ્રાહ્મણોની પૂજાનો ભક્ત, પિતા અને પત્ની સાથે શત્રુતા ધરાવનાર, અશાંત હોય છે.

દસમ ભાવ: દસમભાવમાં સૂર્ય જાતકને અત્યંત બુદ્ધિશાળી, ધનવાન અને બળવાન બનાવે છે. તે વાહન, સંબંધીઓ અને પુત્રોના સુખથી યુક્ત હોય છે. પોતાના આરંભ કરેલાં કાર્યોમાં સફળતા મેળવનાર, વીર, અજેય તેમજ ઉત્તમ હોય છે.

એકાદશ ભાવ: જ્યારે સૂર્ય લાભસ્થાનમાં સ્થિત હોય ત્યારે જાતક ધન એકઠું કરવામાં અત્યંત રુચિ ધરાવનાર હોય છે. બળવાન, અન્યોને ધિક્કારનાર, સેવકના સુખથી વંચિત, સ્વયં સેવક બનનાર, લાગણીરહિત, નમ્ર અને પોતાના કાર્યોમાં સફળતા મેળવનાર હોય છે.

દ્વાદશ ભાવ: વ્યયસ્થાનમાં રહેલો સૂર્ય જાતકને દેખાવ-આકારમાં બગડેલું શરીર આપે છે. એક આંખ ધરાવનાર, પતિત અર્થાત પોતાના કર્મોથી ચ્યુત, વંધ્યા સ્ત્રી સાથે લગ્ન કરનાર, પિતા સાથે શત્રુતા ધરાવનાર, નિર્બળ અને નીચ હોય છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા