રાહુના કર્ક અને કેતુના મકર રાશિ ભ્રમણનું બાર રાશિઓ પરત્વે ફળ

ભારતીય જ્યોતિષ અનુસાર રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રના ભ્રમણમાર્ગ પર રહેલાં છેદનબિંદુઓ છે. સૂર્ય અને ચંદ્રના બ્રહ્માંડમાં પોત-પોતાનાં માર્ગ પર ભ્રમણને લીધે રાહુ અને કેતુની સ્થિતિ પણ બદલતી રહે છે. રાહુથી કેતુ હંમેશા 180 અંશની દૂરી પર રહે છે. 18 ઓગસ્ટ, 2017ના રોજ વહેલી સવારે 04.28 કલાકે રાહુએ કર્ક રાશિમાં અને કેતુએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તેઓ 7 માર્ચ, 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. રાહુ-કેતુ એક રાશિમાં આશરે 18 મહિના સુધી રહે છે. રાહુ-કેતુના આ કર્ક-મકર રાશિ ભ્રમણનો બાર રાશિઓ/જન્મલગ્ન કેવો પ્રભાવ પડશે તે જોઈએ.

અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગના બિંદુ વગેરે પરિબળો પર રહેલો છે.

મેષ: રાહુએ ચતુર્થભાવમાં અને કેતુએ દસમભાવમાં પ્રવેશ કર્યો છે. માનસિક અશાંતિ અને પીડાનો અનુભવ થઈ શકે છે. માતાને શારીરિક કષ્ટનો અનુભવ થાય. જો કે માતા તરફથી લાભ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કેસ ન થાય તેની કાળજી રાખવી. આપત્તિચિંતા અને અસ્થિરતાને લીધે હેરાનગતિ અનુભવાય. ગૃહ ક્લેશ થવાની સંભાવના રહે. નોકરી અને વ્યવસાય ક્ષેત્રે વિઘ્ન આવી શકે છે. આ સમય દરમિયાન નવા સાહસોની શરૂઆત ન કરવી જોઈએ. કાર્યના ભારણને લીધે કઠોર પરિશ્રમ કરવો પડી શકે છે. સરકારી કામકાજોમાં અવરોધનો અનુભવ થાય. નવી સ્થાવર સંપતિ કે વાહનની ખરીદી થઈ શકે છે. આમ છતાં સ્થાવર સંપતિને લીધે હાનિ ન થાય તેની કાળજી રાખવી. ઘર અને કામના સ્થળમાં ફેરફાર થઈ શકે છે. 

વૃષભ: રાહુએ તૃતીયભાવમાં અને કેતુએ નવમભાવમાં પ્રવેશ કર્યો છે. ચિત્તનું સમાધાન થાય. વિઘ્નો દૂર થઈને કાર્યો પૂર્ણ થવાની શરૂઆત થાય. આત્મવિશ્વાસ, પરાક્રમ અને સાહસની વૃદ્ધિ થાય. ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને. પ્રકાશન, લખાણો, સંદેશાવ્યવહારની પ્રવૃતિથી લાભ થઈ શકે છે. સમાજ તેમજ વ્યવસાયમાં માન્યતા અને સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. યોગ્યતા અને કુશળતામાં વધારો થાય. વ્યવસાયને લીધે કે અન્ય કારણોસર ટૂંકી યાત્રાઓ થઈ શકે છે. ધાર્મિક સ્થળોની યાત્રા થાય. ધાર્મિક વલણમાં વધારો થાય. પિતાનું આરોગ્ય કાળજી માંગી લે. ભાઈ-બહેનો દ્વારા લાભ થાય. પરંતુ ભાઈ-બહેનોને શારીરિક કષ્ટ કે પીડા પહોંચી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધમાં બદલાવનો અનુભવ થાય. મિત્રો અને પડોશીઓ મદદરૂપ બને. વિદેશયાત્રા શક્ય બને.     

મિથુન: રાહુએ દ્વિતીયભાવમાં અને કેતુએ અષ્ટમભાવમાં પ્રવેશ કર્યો છે. ધનલાભ થવાની શક્યતા રહે. આમ છતાં ધનને લીધે માનસિક ચિંતા રહ્યા કરે. સ્થાવર સંપતિ જો ગીરવે રાખી હોય તો મુક્ત કરાવી શકાય. કુટુંબના સભ્યોનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે.  કૌટુંબિક જીવનમાં હેરાનગતિનો અનુભવ થાય. ગેરસમજને લીધે કુટુંબના સભ્યો વચ્ચે મતભેદ ઉભા થવાની સંભાવના રહે. જીવનસાથીના કુટુંબના સભ્યોનું આરોગ્ય પણ ચિંતા કરાવે. જીવનસાથીનું પોતાનું આરોગ્ય પણ ચિંતા કરાવી શકે છે. અદાલતી મામલાઓમાં નુક્સાન પહોંચવાની સંભાવના રહે. પૂરાવાઓ મળવામાં વિલંબ થાય. ગૂઢ અને આધ્યાત્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય. વાણી પર સંયમ રાખવો જરૂરી બને. દાંત-આંખોની સંભાળ લેવી. અજાણ્યા ખાદ્યપદાર્થો અને અયોગ્ય આહાર ગ્રહણની આદતોથી બચવું. ઈજા અને અકસ્માતો ન થાય તેની કાળજી રાખવી.

કર્ક: રાહુએ પ્રથમસ્થાનમાં અને કેતુએ સપ્તમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. માનસિક ચિંતા અને શારીરિક પીડાનો અનુભવ થઈ શકે છે. ભય અને ભ્રમણાઓ પેદા થાય. જીવનમાં નિર્ણયો લેવામાં મૂશ્કેલીનો અનુભવ થાય. કોઈ અજાણ્યો ડર સતાવે તેવું બને. લોકો ભૂલ બતાવે તો પણ સ્વીકારી ન શકો. સ્વભાવ અને વ્યવહારમાં ચિડીયાપણું આવે. સ્મરણશક્તિ મંદ પડે. શારીરિક નબળાઈનો અનુભવ થઈ શકે છે. દાંમ્પત્યજીવનમાં મૂશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવે. જીવનસાથીની અપેક્ષાઓ પ્રત્યે અલિપ્ત રહો તેવું બની શકે છે. વિશિષ્ટ વ્યક્તિત્વ અને ઓળખ પ્રાપ્ત કરવાની ભૂખ જાગે. સામાજીક ઓળખમાં બદલાવ આવી શકે છે. ભૌતિકવાદી વલણ રહે. વ્યવસાયમાં ભાગીદારો સાથે મતભેદ પેદા ન થાય તેની કાળજી રાખવી.

સિંહ: રાહુએ દ્વાદશભાવમાં અને કેતુએ ષષ્ઠમભાવમાં પ્રવેશ કર્યો છે. ઘણાં પ્રવાસો થવાની શક્યતા રહે. વિદેશયાત્રા શક્ય બને. વિદેશી સંબંધોને લીધે લાભ થાય. નાણાકીય ખર્ચાઓમાં વધારો થાય. ઋણ ચૂકવી શકાય પરંતુ લેણાં નીકળતાં પૈસા પરત ન મળે તેવું બને. નાની-મોટી વસ્તુઓની ચોરી ન થાય તે બાબતે સાવધાન રહેવું. હિતશત્રુઓની વૃદ્ધિ થઈ શકે છે. વિરોધીઓ તમારી છબિને નુક્સાન પહોંચાડી શકે છે. આમ છતાં ગુપ્ત શત્રુઓને આ સમય દરમિયાન ઓળખી શકો તેવું બને. કાનૂની કાર્યવાહી અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અનિદ્રાનો રોગ લાગુ પડી શકે છે. આંખોની કાળજી રાખવી. સપનાઓ અને કલ્પનાઓની દુનિયામાં જીવો તેવું બને. રહેઠાણના સ્થળમાં બદલાવ આવી શકે છે. જીવનસાથીના આરોગ્યની કાળજી લેવી. આધ્યાત્મિક માર્ગદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે.

કન્યા: રાહુએ એકાદશભાવમાં અને કેતુએ પંચમભાવમાં પ્રવેશ કર્યો છે. વ્યવસાયથી લાભ થવાની શક્યતા રહે. ઉત્તમ નાણાકીય લાભ થઈ શકે છે. અનપેક્ષિત મદદ મળી રહે. કાર્યો પૂર્ણ થઈને કીર્તિની પ્રાપ્તિ થાય. ચૂંટણીમાં વિજયની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના રહે. સામાજીક પ્રવૃતિઓ અને સંગઠનોમાં આગળ પડતો ભાગ લઈ શકાય. નવી મિત્રતા અને નવા સંપર્કો બનાવી શકાય. લાંબા સમયથી રહેલી ઈચ્છાઓની પૂર્તિ થાય. મોટા ભાઈ-બહેનોને શારીરિક કષ્ટ અને પીડાનો અનુભવ થઈ શકે છે. સગર્ભા સ્ત્રીઓએ વિશેષ કાળજી લેવી. સંતાન બાબતે સમય નકારાત્મક રહે. શેર-સટ્ટા માટે સમય પ્રતિકૂળ રહે. પ્રણયસંબંધમાં મૂશ્કેલીનો અનુભવ થાય. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતો અંગેનાં અભ્યાસમાં આગળ વધી શકાય.

તુલા: રાહુએ દસમભાવમાં અને કેતુએ ચતુર્થભાવમાં પ્રવેશ કર્યો છે. ઉદ્યોગમાં સફળતાની પ્રાપ્તિ થાય. લાભમાં વૃદ્ધિ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિ થાય. અકસ્માતે કે અચાનક જ પ્રમોશન મળી જાય તેવું બને. સામાજીક કે કાર્યક્ષેત્રે સત્તાની પ્રાપ્તિ થાય. નેતાગીરી લઈ શકાય. સામાજીક માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. ઉપરી અધિકારીઓના સહકારની પ્રાપ્તિ થાય. માનસિક ચિંતા કે અશાંતિનો અનુભવ થઈ શકે છે. માતાના આરોગ્યની કાળજી લેવી. સ્થાવર સંપતિ અને વાહનના પ્રશ્નો ચિંતા કરાવી શકે છે. સ્થાવર સંપતિ કે વાહનને લીધે નુક્સાની સહન કરવી પડી શકે છે. ગૃહજીવનમાં ક્લેશનો અનુભવ થાય. કામકાજની વ્યસ્તતાને લીધે ઘર-પરિવારને પૂરતો સમય ન આપી શકાય. ઘરની અને સંતાનોની જવાબદારી પ્રત્યે બેદરકાર બનો તેવું બને. રહેઠાણના સ્થળમાં બદલાવ આવી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મહેનત કરવી જરૂરી બને.

વૃશ્ચિક: રાહુએ નવમભાવમાં અને કેતુએ તૃતીયભાવમાં પ્રવેશ કર્યો છે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશગમન થઈ શકે છે. ઉચ્ચ અભ્યાસ સારો થાય પરંતુ તેનો પ્રભાવ પડતો ન જણાય. વ્યવસાય અથવા નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. સરકાર દ્વારા સન્માનની પ્રાપ્તિ થાય. ઘણાં પ્રવાસો-યાત્રાઓ થવાની સંભાવના રહે. ધર્મ અને પરંપરાને લગતાં વિચારોમાં બદલાવ આવી શકે છે. ધર્મ વિમુખ કે નાસ્તિક બની જવાની શક્યતા રહે અથવા અન્ય ધર્મ પ્રત્યે આકર્ષણ અનુભવાય. પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. પિતા સાથે ગેરસમજ થવાની સંભાવના રહે. માતા માટે પણ આ સમય શારીરિક રીતે કષ્ટપ્રદ રહેવાની સંભાવના છે. પરાક્રમ ક્ષમતા બાધિત થઈ શકે છે. ભાઈ-બહેનોની અપેક્ષાઓ પ્રત્યે અલિપ્તતા દાખવો તેવું બની શકે. ભાઈ-બહેનોના વિવાહનો પ્રસંગ ઘટિત થઈ શકે છે. પ્રારંભિક અવરોધ બાદ ભાગ્યની વૃદ્ધિ થાય.

ધનુ: રાહુએ અષ્ટમભાવમાં અને કેતુએ દ્વિતીયભાવમાં પ્રવેશ કર્યો છે. વ્યક્તિગત જન્મકુંડળીમાં જો આકસ્મિક લાભના યોગ હોય તો આ સમય દરમિયાન રેસ, શેર-સટ્ટા, લોટરી દ્વારા અથવા વારસાકીય ધનલાભ થઈ શકે છે. જીવનસાથી અથવા શ્વસુરપક્ષથી ધનલાભ થઈ શકે છે. વ્યર્થ યાત્રાઓ થઈ શકે છે. સંચિત ધનનો વ્યય થવાની સંભાવના છે. વાણીની કટુતાને લીધે સંબંધોમાં તિરાડ પડી શકે છે. કુટુંબના સભ્યો સાથે મતભેદ થાય અથવા કુટુંબના સભ્યોનો વિરહ સહન કરવો પડે. ગૂઢ બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય. સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલાં જાતકો માટે આ સમય પ્રગતિજનક રહે. રહસ્યપૂર્ણ બાબતો અંગે રસ જાગે. આ સમય દરમિયાન આરોગ્યની કાળજી લેવી અને બિમારીઓ પ્રત્યે બેદરકાર ન રહેવું. લગ્નજીવનમાં કષ્ટ આવવાની સંભાવના રહે. આંખોની કાળજી લેવી. આર્થિક અડચણો, શારીરિક કષ્ટ અને માનસિક અશાંતિનો અનુભવ થઈ શકે છે.

મકર: રાહુએ સપ્તમભાવમાં અને કેતુએ પ્રથમભાવમાં પ્રવેશ કર્યો છે. વ્યવસાયમાં આકસ્મિક વૃદ્ધિ થઈ શકે છે. લોકોની મદદ મળી રહે. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. પરિણીત જાતકો માટે આ ભ્રમણ જીવનસાથી સાથે મતભેદો પેદા કરાવી શકે છે. જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે. વિજાતીય પાત્રોથી સંભાળીને રહેવું. વિજાતીય પાત્રને લીધે બદનામી થવાની સંભાવના રહે. વ્યવસાયમાં ભાગીદારો સાથેના સંબંધમાં તણાવનો અનુભવ થઈ શકે છે. ત્વરિત નિર્ણયો લેવામાં મૂશ્કેલીનો અનુભવ થાય. વાદવિવાદ અને દલીલો કરવાથી દૂર રહેવું. અદાલતી કાર્યોમાં અડચણનો અનુભવ થઈ શકે છે. શારીરિક પીડાઓ અને કષ્ટ આવી શકે છે. આધ્યાત્મિક વલણમાં વધારો થાય. નાણાની આવક અંગે ચિંતાજનક સમય રહે. અલિપ્તતા અને અતડાંપણાની લાગણી તીવ્ર બને. ઉત્સાહની કમી રહે.

કુંભ: રાહુએ ષષ્ઠમભાવમાં અને કેતુએ દ્વાદશભાવમાં પ્રવેશ કર્યો છે. અદાલતી મામલાઓમાં યશની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ પર વિજય મેળવી શકાય. વિવાદોને કોરાણે મૂકીને જીવનમાં આગળ વધો. ચિંતાઓ દૂર થઈને વ્યાપારમાં વૃદ્ધિ થઈ શકે છે. ઋણ ચૂકવી શકાય. સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય. જીવનમાં આવનારી સમસ્યાઓ અને પડકારો સામે લડવા આત્મબળ કેળવી શકો. નોકરી-વ્યવસાય માટે સમય અનુકૂળ રહે. નવા સાહસની શરૂઆત કરી શકાય. વધુ પડતો શ્રમ આરોગ્યને હાનિ પહોંચાડી શકે છે. નોકરીમાં અણધાર્યો કે અચાનક બદલાવ આવી શકે છે. આધ્યાત્મિક પ્રગતિનો અનુભવ થાય. દાંમ્પત્યજીવનની સમસ્યાઓના ઉકેલની પ્રાપ્તિ થાય. રમત-ગમતના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પરદેશ સાથેના સંબંધને લીધે લાભ થાય. જૂના મિત્રો લાભદાયી નીવડે.

મીન: રાહુએ પંચમભાવમાં અને કેતુએ એકાદશભાવમાં પ્રવેશ કર્યો છે. સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. અભ્યાસ પૂર્ણ થઈને ડિગ્રીની પ્રાપ્તિ થાય. આમ છતાં વિદ્યા અને સંતાનને લગતી બાબતો માટે સમય ચિંતાજનક કહી શકાય. અભ્યાસ વધુ મહેનત માગી લે. અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ રહે. સગર્ભા સ્ત્રીઓએ વિશેષ કાળજી લેવી. શેર‌-સટ્ટાથી લાભ રહે. પ્રણયસંબંધમાં સફળતા મળી શકે છે. પ્રેમલગ્ન થવાની શક્યતા ઉભી થાય. કળા અને સર્જનાત્મક બાબતો સાથે જોડાયેલાં જાતકો માટે આ સમય લાભપ્રદ રહે. સર્જનાત્મક વિચારોમાં વૃદ્ધિ થાય. મનોરંજન પ્રત્યેના આકર્ષણમાં વધારો થાય. બૌદ્ધિક કાર્યો સાથે સંકળાયેલાં જાતકો માટે સમય અનુકૂળ રહે. લાભના સ્ત્રોતમાં કમી આવી શકે છે. આકસ્મિક ધનહાનિ થવાની સંભાવના રહે. અન્યોને આપેલાં નાણા પરત ન આવે. મિત્રોનો વિરોધ સહન કરવો પડે. મન ચંચળ અને અનિર્ણયાત્મક બને. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા